Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

લાલી મેરે લાલકી જીત દેખોં તીત લાલ
લાલી દેખન મેં ગઈ મૈં ભી હો  ગઈ લાલ !

મારા પ્રભુની લાલી જ્યાં જોઉં છું ત્યાં લાલ જ દેખાય છે. એ લાલી જોવાનો મેં પ્રયત્ન કર્યો ત્યારે હું પણ લાલ જ થઈ ગઈ !

નોંધ :  કબીર સાહેબની આ સાખી સમગ્ર હિન્દી સાહિત્યના આકાશમાં ધ્રુવતારાની માફક અમર બની ગઈ છે. કદાચ વિશ્વ સાહિત્યમાં સર્વોચ્ચ સ્થાન પામે તેવી ઉત્તમ કાવ્ય તત્ત્વથી ભરપૂર આ બે પંક્તિઓ કહેવાય. ઓછામાં ઓછા શબ્દોમાં અને છતાં સરળમાં સરળ રીતે ને સાદી શૈલીમાં સાક્ષાત્કારનો અનુભવ કબીર સાહેબે વર્ણવી દીધો છે. પરમ અનુભવને કારણે જ ભાષામાં પણ સામર્થ્ય પેદા થતું હશે કે જેને કારણે આવી ઉત્તમ પંક્તિઓની રચના સ્હેજે થઈ જતી હશે. ભાષાના સામર્થ્ય અંગે પણ કબીર સાહેબે અગાઉ સાખી ન. ૧૮૨માં "બાની ફૂટી બાસ" કહીને ઈશારો તો કર્યો જ છે. સરળતા, સરસતા ને સચોટતા અનુભવી પુરુષો જ સિદ્ધ કરી શકતા હશે એવું માનવાનું મન થાય છે. પ્રથમ પંક્તિમાં સર્વવ્યાપક પરમાત્મ તત્ત્વનું કેટલું સુંદર વર્ણન છે !  તે અવ્યક્ત ને નિરાકાર હોવા છતાં "લાલી" શબ્દ તેને સુંદર રીતે વ્યક્ત કરી દે છે. જગત તેના વડે જ જીવંત લાગે છે ને તેથી જ તેનાં દર્શનની ઈચ્છા થાય છે તેવો ભાવ લાલી શબ્દમાં જાણે કે ભરી દીધો છે. દર્શન કરવાને પ્રયત્ન કરનાર તેના મય બની જાય છે તે પણ કેટલું બધું સ્વાભાવિક લાગે છે !  આ સાખી વાંચીને હૃદય નાચી ઉઠ્યા વિના રહે નહી.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,886
pdf-1અનંત સૂર | Anant Soor 10,574
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,379
pdf-3Amar Varso | અમર વારસો 8,025
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,084